/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-6.jpg)
તમારા વાહનમાંથી ઓઇલ ઢોળાય છે, તમારા રૂપિયા પડી ગયા છે આવું કોઈ વ્યક્તિ કહે તો તેની વાતોમાં આવશો નહિ કારણ કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી વાહન ચાલકોનું ધ્યાન ભટકાવી કીમંતી સામાનની ઉઠાંતરી કરતી ગેંગના ચાર સાગરિતોને રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયાં છે.
રાજકોટ પોલીસની ગિરફતમાં રહેલાં આ શખ્સના નામ છે રોસૈઆહબાબુ ગોડેતી , મધુ ભાસ્કર જાલા અને અનિલ મકાલા. આ શખ્સો પર આરોપ છે નજર ચૂકવી , કાચ તોડી અને ચોરી કરવાનો. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં 12 દિવસ અગાઉ એક મોટર સાઇકલ ની ડેકીમાંથી 98000 ની ચોરી તેમજ છ દિવસ પહેલા ગોંડલ ખાતે એક કારચાલક ને કારમાંથી ઓઇલ ઢોળાઈ રહ્યું છે કહી નજર ચૂકવી રોકડ રકમ ભરેલ થેલીની ઉઠાંતરીના બનાવ બન્યાં હતાં. CCTV ફૂટેજ ના આધારે તપાસ કરી આરોપીઓને યુનિવર્સિટી રોડ પરથી દબોચી લેવાયાં છે. પ્રાથમિક પૂછપરછમાં તેમણે 22 જેટલા ગુનાની કબુલાત પણ કરી લીધી છે.
પોલીસ ના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી અગાઉ બેંક કે આંગડિયા પેઢી બહાર રેકી કરી બાદમાં વાહનચાલકને નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ મોટર સાઇકલ હોય તો ડેકી ખોલી ચોરી કરતા અને મોટર કાર હોય તો કારમાંથી કાચ તોડી અથવા તેમની કારમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહી નજર ચૂકવી અન્ય બે આરોપી ચોરી ને અંજામ આપતા હતા. પકડાયેલ આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના વતની હોવાનું અને ઓક્ટોબર માસમાં રાજકોટ આવી ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે અગાઉ આરોપી અમદાવાદ, સુરત, ગાંધીનગર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી 3 લાખ 36 હજારનો મુદામાલ રિકવર કર્યો છે.