રાજકોટ : સૃષ્ટિના બેસણામાં પહોંચ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, જુઓ મૃતકના પરિવારે શું કરી માંગ

New Update
રાજકોટ : સૃષ્ટિના બેસણામાં પહોંચ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, જુઓ મૃતકના પરિવારે શું કરી માંગ

જેતલસરની સૃષ્ટિ રૈયાણીની હત્યાના બનાવ બાદ રાજયમાં જે પ્રકારે કેન્ડલ માર્ચ તથા પ્રદર્શનો યોજાઇ રહયાં છે તેણે સરકાર તથા ભાજપ બંનેને દોડતાં કરી દીધાં છે. સોમવારના રોજ સૃષ્ટિના બેસણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતના આગેવાનો પહોંચ્યાં હતાં.

રાજકોટ જિલ્લાના જેતલસર ગામમાં રહેતી સૃષ્ટિ રૈયાણીની તેના જ પિતરાઇ ભાઇએ એક તરફી પ્રેમમાં હત્યા કરી નાંખી હતી. સૃષ્ટિના એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયેલાં ભાઇએ વિરપુરથી છરી ખરીદી હતી અને સૃષ્ટિ પર તેના જ ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. જેમાં તેણે સૃષ્ટિને છરીના 30થી વધારે ઘા મારી દેતાં તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

પોલીસે ગણતરીના કલાકો જ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સૃષ્ટિની હત્યા બાદ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. રાજયમાં બેટીઓ સલામત નહિ હોવાના આક્ષેપો સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે તેમજ કેન્ડલ માર્ચ નીકળી રહી છે. સૃષ્ટિની હત્યાએ સરકાર તથા ભાજપ સંગઠન બંનેને દોડતા કરી દીધાં છે.

સોમવારના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતના આગેવાનો મૃતક સૃષ્ટિના બેસણામાં હાજરી આપવા જેતલસર ગામે ગયાં હતાં. મૃતકના પરિવારે હત્યાના આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તથા તેને મદદગારી કરનારા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આગેવાનો સમક્ષ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા તથા ખાસ સરકારી વકીલની નિમણુંક કરવા સહિતની બાંહેધરી અગાઉ મૃતકના પરિવારને આપવામાં આવી છે.

Latest Stories