સૌરાષ્ટ્રના મુખ્ય શહેર ગણાતા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા અનેક પગલાંઓ ભરાય રહયાં છે. રાજકોટમાં હવે મેડીકલ સ્ટોરમાં શરદી અને ખાંસીની દવા લેવા જનારા તમામ લોકોની માહિતી મેડીકલ સ્ટોરના સંચાલકોને નોંધવી પડશે.
કોરોના વાયરસના કહેરના કારણે હવે લોકો દવાખાનાઓમાં જતાં ગભરાય રહયાં છે. મોટાભાગના લોકો સામાન્ય બિમારીઓની દવાઓ મેડીકલ સ્ટોર પરથી લઇ લેતાં હોય છે. રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક નવું ફરમાન બહાર પાડયું છે. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં કોઈ પણ વ્યક્તિ શરદી, ઉધરસ કે તાવની દવા લેવા જશે તો તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આથી કોરોના સંક્રમણ અટકશે અને પોઝિટિવ દર્દીઓ અન્યના સંપર્ક આવ્યા હોય તેની માહિતી પણ મળી રહેશે. આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, લોકોએ તેમના શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ન છુપાવવા જોઈએ. અને જરૂર પડયે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ..