મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સપ્ટેમ્બરે ઈન્ડિયન ઓઈલ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળો કોમર્શિયલ સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તો થયો. સિલિન્ડર માટે આજથી હવે 1885 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડરનો ભાવ 1976.50 રૂપિયા હતો.

સતત પાંચમી વાર એવું બન્યું છે કે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનાર 19 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં 1885 રૂપિયાનો થયો છે. રાજધાની દિલ્હીમાં હવે તેના માટે 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા આપવા પડશે. એ જ રીતે હવે કોલકાતામાં 2095.50 રૂપિયાની જગ્યાએ 1995.50 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં 1936.50ની જગ્યાએ 1844 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં 2141ની જગ્યાએ 2045 રૂપિયા ચૂકવવા પડશે.14.2 કિલો વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. તા. 19મી મે 2022ના રોજ 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનાર ગેસ સિલિન્ડર 1 જૂને 2219 રૂપિયાનો થયો. તેના એક મહિના બાદ સિલિન્ડરના ભાવમાં 98 રૂપિયાનો ઘટાડો થયો અને તે 2021 રૂપિયા થયો. તા. 6 જુલાઈએ ઓઈલ કંપનીઓએ આ સિલિન્ડરના ભાવ ઘટાડીને 2012.50 રૂપિયા કર્યો. એક ઓગસ્ટે પણ ભાવ ઘટતા હવે આ સિલિન્ડર 1976.50 રૂપિયાનો મળવા લાગ્યો છે.