દિલિપ કુમારના મોતની ખબર અફવા; વોટ્સએપ પર આવતા મેસેજીસ પર વિશ્વાસ ના કરો: સાયરા બાનુ

New Update
દિલિપ કુમારના મોતની ખબર અફવા; વોટ્સએપ પર આવતા મેસેજીસ પર વિશ્વાસ ના કરો: સાયરા બાનુ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે રવિવારે સવારે મુંબઇ ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડોકટરો કહે છે કે બે-ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. પરંતુ આ દરમિયાન તેમના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા. આ અંગે તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ પ્રતિક્રિયા આપી છે.

આ સાથે દિલીપ કુમારના ટ્વિટર એકાઉન્ટ પરથી તેઓનું હેલ્થ અપડેટ પણ આપવામાં આવ્યું છે. સાયરા બાનુએ એએનઆઈને જણાવ્યું કે, દિલીપ કુમારને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમણે કહ્યું કે તેમના મૃત્યુના સમાચાર અફવા છે અને તેમની હાલત સ્થિર છે. તેમણે દિલીપ કુમારના સત્તાવાર ટ્વિટર પરથી નિવેદન પણ જારી કર્યું છે.

તેમણે નિવેદનમાં લખ્યું છે, "વોટ્સએપ પર આવેલા મેસેજીસ પર વિશ્વાસ ન કરો. સાહેબની તબિયત બરાબર છે. તમારી હૃદયસ્પર્શી પ્રાર્થનાઓ અને પ્રાર્થના માટે આભાર. તેઓ 2-3 દિવસમાં ઘરે આવશે. ઇન્શા અલ્લાહ." હોસ્પિટલ સૂત્રએ જણાવ્યું હતું કે દિલીપકુમારના ફેફસાંમાં પાણી ભરાઈ ગયા છે અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલીપકુમારને ન તો આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે ન વેન્ટિલેટર પર. દિલીપ કુમારની સારવાર સામાન્ય વોર્ડમાં ચાલી રહી છે.