સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરોની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઇડર પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સરકાર દ્વારા સહાય અને રાહત મળતી હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં એવો એક કિસ્સો સામે આવ્યો છે કે, સહાય કે રાહત જ નહીં પરંતુ નવા ટ્રેકટરની ખરીદી બોગસ લોન વડે લોનની રકમ જ ચાઉ કરી લેવાની છેતરપિંડી બહાર આવી છે. લોનથી મેળવેલ નવા ટ્રેકટરને અન્ય જિલ્લામાં બારોબર વેચી દઈ તે રકમ પણ મેળવી લેવામાં આવતી હતી. આમ છેતરપિંડી કરી ટ્રેકટરનું વેચાણ કરનાર શો રૂમમાં જ આ કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. ઇડર પોલીસે ઘટના અંગે ખાનગી કંપનીના ટ્રેકટર હાઉસ સામે ફરિયાદ નોધી છે. જેમાં શો રૂમ દ્વારા અપૂરતા દસ્તાવેજ વડે ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી લોન મેળવી લેવાઈ હતી. પરંતુ ફાઇનાન્સ કંપનીની આરસી બુક જેવા દસ્તાવેજો ટ્રેકટર પારસિંગ થયા બાદ પણ નહીં મળતા પોલીસને શંકા ગઈ હતી. આ કૌભાંડમાં લોનથી ટ્રેકટર ખરીદી મૂળ ખેડૂતને અજાણ રાખી અન્ય જિલ્લામાં બારોબર 177 જેટલા ટ્રેકટર વેંચ્યા હોવાનું સામે આવ્યું છે. આમ રૂપિયા 8.20 કરોડની અંદાજિત રકમના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, ત્યારે આ મામલે પોલીસે પાર્થ ચૌધરી નામના એક શખ્સની ધરપકડ કરી આ કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
