વિદેશમાં નોકરીના નામે છેતરપિંડીનો પર્દાફાશ

સાયબર ક્રાઇમ પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

ઉત્તરાખંડથી એક આરોપીની કરી ધરપકડ

વિવિધ બેંક ખાતામાં રૂ.23 લાખથી વધુ જમા કરાવ્યા

પોલીસ તપાસમાં 14 બેંક ખાતાની વિગતો બહાર આવી 

સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લા સહિત દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યા છે,ત્યારે સાયબર ફ્રોડ આચરનાર એક આરોપીની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી,આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ 28 લાખ 61 હજાર 368 રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.

સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચીને ઉત્તરાખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી કુલદીપ આર્ય મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.તપાસ દરમિયાન આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ અને એક્સિસ બેંક સહિત કુલ 14 બેંક ખાતાઓની વિગતો પણ સામે આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ આ ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે 1 કરોડ 80 લાખ 62 હજાર 286 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.