ભરૂચના હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે પર સાહોલ ગામ નજીક પ્લાય ભરેલી ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. હાંસોટ નજીક આવેલી એક કંપનીમાંથી આશરે 42 ટન પ્લાય ભરીને દિલ્હી તરફ જઈ રહેલી ટ્રક રસ્તાની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં પલટી જતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ટ્રક હાંસોટ નજીક આવેલી કંપનીમાંથી પ્લાયનો જથ્થો ભરીને દિલ્હી જવા માટે રવાના થઈ હતી. દરમિયાન સાહોલ ગામ નજીક પહોંચ્યા બાદ ડ્રાઇવરને રસ્તા અંગેની માહિતી મેળવવાની જરૂર પડતાં તે ટ્રકમાંથી નીચે ઉતર્યો હતો.આ દરમિયાન ટ્રકનો હેન્ડ બ્રેક લગાવવામાં આવ્યો ન હોવાને કારણે ટ્રક આગળ સરકવા લાગી હતી. ડ્રાઇવર કંઈ સમજે તે પહેલાં જ ટ્રક રસ્તાની બાજુમાં આવેલી વરસાદી કાંસ તરફ સરકી ગઈ હતી અને તેમાં પલટી ખાઈ ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.42 ટન જેટલો પ્લાયનો જથ્થો લઈને જઈ રહેલી ટ્રક પલટી જતાં અકસ્માતની ગંભીરતા વધી હતી. બનાવની તપાસ હાંસોટ પોલીસ ચલાવી રહી છે.
ભરૂચ: હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક પલટી, સાહોલ ગામ નજીક અકસ્માત
