રાજયમાં માસ્ક નહિ પહેરનારા લોકો દંડથી બચવા માટે અવનવા બહાના કાઢતાં હોય છે પણ સાબરકાંઠાના પ્રાંતિજમાં એક ઇસમ પાસેથી પોલીસે દંડ માંગતા તે માતાજી આવ્યાં હોય તેમ ધુણવા લાગ્યો હતો.
રાજયમાં કોરોનાના કહેર વચ્ચે અમુક લોકો હજી પણ માસ્ક પહેરી રહયાં નથી. અને માસ્ક નહિ પહેરવાના અનેક બહાનાઓ બતાવી રહયાં છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. પ્રાંતિજ પોલીસે માસ્ક વગર ફરી રહેલાં એક ઇસમને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે એક હજાર રૂપિયાનો દંડ માંગતા તેના હોશ ઉડી ગયાં હતાં. અને પોતાને માતાજી આવ્યાં હોય તેવો ડોળ કરી ધુણવા લાગ્યો હતો. તે પોલીસની જીપ પાસે બેસીને ધુણવા લાગ્યો હતો. જમાદાર ગરીબોની હાય ના લો, હાય ના લો, બોલવા લાગ્યો હતો. હાલ આ વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે.