/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/IMG_1606.jpg)
રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભે કુ.સરિતા જેવી ખેલાડી દેશને આપીઃ મંત્રી રમણલાલ પાટકર
ઇન્ડોનેશિયાના જકાર્તા યોજાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪/૪૦૦ મીટર રિલે દોડમાં ઇન ફૉર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની દીકરી કુ.સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. જેના સન્માન માટે આજરોજ ડાંગ આહવા ખાતે એક શોભાયાત્રા યોજાઇ હતી. જે આહવાના મુખ્યમાર્ગો પર ફરી સરિતા ગાયકવાડનું સન્માન કરવા ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રમતગમત રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ એક પ્લેટફોર્મ બની ગયું છે. રાજય સરકાર દરવર્ષે ખેલમહાકુંભમાં રૂ. ૪૫ કરોડના ઇનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે. ખેલ મહાકુંભના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ખેલાડીઓને આનુષાંગિક તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે.
સાપુતારા ખાતે તૈયાર થનાર એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેકને કુ.સરિતા ગાયકવાડ નામ આપવાની જાહેરાત મંત્રીએ કરી હતી. મંત્રી પટેલે ઉર્મેયુ હતું કે, સાપુતારા રમત સંકુલ ખાતે રૂપિયા ૭ કરોડના ખર્ચે એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેક,રૂ. ૫કરોડના ખર્ચે હોકીગ્રાઉન્ડ, અઢી કરોડના ખર્ચે ઇન્ડોર હોલ સહિતની રૂ. ૧૫ કરોડથી વધુ રકમના ખર્ચે રમતગમતની સુવિધાઓ તૈયાર કરાશે.
પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકારે ગ્રામીણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ અંતરીયાળ સ્તરે રહેલી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભના આયોજનની રાજ્યમાં શરૂઆત કરી હતી. પ્રતિવર્ષ યોજાતા આ ખેલ મહાકુંભના કારણે ગુજરાત આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. ખેલમહાકુંભ થકી આજે દેશને કુ.સરિતા જેવી ખેલાડી મળી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સમાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાનું વહિવટીતંત્ર દ્વારા રૂ. ૯ લાખ જેવી માતબર રકમ કુ. સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં આવી હતી.