ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલું છે મંદિર

ભગવાન જગન્નાથના મંદિરમાંથી મૂર્તિઓ ગાયબ થઈ હોવાનો દાવો

મંદિરના વહીવટકર્તાઓએ નોંધાવ્યો વિરોધ

મૂર્તિઓ સુરત લઈ જવાય હોવાનો ખુલાસો

ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ  સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી મૂર્તિઓ ગાયબ થઈ જવાના દાવાથી ચકચાર મચી જવા પામી હતી.મૂર્તિઓ સુરત ખાતે લઈ જવામાં આવતા મંદિરના વહીવટકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો

ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની પ્રતિમાઓ ગાયબ થઈ હોવાના દાવાથી ગતરોજ ચર્ચા જાગી હતી. રથયાત્રા બાદ મંદિરમાં પ્રતિમાઓ જોવા ન મળતાં અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી.જોકે, તપાસમાં સામે આવ્યું કે પ્રતિમાઓ સુરતમાં યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ મંદિર બહાર લઈ જવા અંગે વાંધો ઉઠાવ્યો હતો.

બીજી તરફ મંદિરના પ્રમુખ ભદ્રેશ જાદવે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પ્રતિમાઓને જરૂરી મંજૂરી બાદ જ સુરત લઈ જવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ થયા બાદ તમામ પ્રતિમાઓને પરત લાવી ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે.જોકે પ્રતિમાઓને મંદિર બહાર લઈ જવાની પ્રક્રિયા અને તે અંગેની જાણકારીને લઈને ચર્ચા યથાવત છે.