/connect-gujarat/media/media_files/2025/09/10/use-2025-09-10-22-38-09.jpg)
એશિયા કપ (Asia Cup 2025)ની મેચમાં ટીમ ઈન્ડિયા એ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે.
આ મેચમાં ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે દબદબો જમાવ્યો હતો. પહેલા કુલદીપ યાદવ અને શિવમ દુબેની શાનદાર બોલિંગથી UAE ની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ, અભિષેક શર્મા અને શુભમન ગિલ ની જોડીએ માત્ર 27 બોલમાં લક્ષ્યાંક હાંસલ કરીને ભારતને એકતરફી જીત અપાવી.
UAE ને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેપ્ટન મુહમ્મદ વસીમ અને અલીશાન શરાફુ એ 26 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. જોકે, ત્યારબાદ ભારતીય બોલરોએ UAE ના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો. સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબેએ પણ 3 મહત્વની વિકેટો લઈને પ્રભાવ પાડ્યો. આક્રમક બોલિંગના કારણે UAE ની આખી ટીમ માત્ર 57 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ ઉપરાંત, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને પણ એક-એક વિકેટ મળી હતી.
58 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી. ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલ એ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરીને મેચને ઝડપથી પૂરી કરી. અભિષેકે માત્ર 16 બોલમાં 30 રન ફટકાર્યા, જ્યારે ગિલ એ 9 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ માત્ર 2 બોલ રમ્યા, જેમાં તેમણે શાનદાર સિક્સર ફટકારી. આ ધમાકેદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 27 બોલમાં જ મેચ સમાપ્ત કરી દીધી.