ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 907 રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ICCએ બુધવારે રેન્કિંગ જાહેર કર્યું, જેમાં તેણે આ સિદ્ધિ મેળવી. બુમરાહે ગયા અઠવાડિયે 904 રેટિંગ સાથે રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી હતી. ડિસેમ્બર 2016માં અશ્વિનને 904 રેટિંગ પોઈન્ટ મળ્યા હતા.
બીજી તરફ, યશસ્વી જયસ્વાલે ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન ઉપર ચઢીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. તે નંબર-4 પર પહોંચી ગયો છે.બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર પ્રારંભિક મેચમાં 30 વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 12.83 રહી છે. તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ (843) હાલમાં બીજા સ્થાને છે અને પેટ કમિન્સ (837) ત્રીજા સ્થાને છે.