ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ સામે થશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે.
2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમાશે. વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 9 સ્થળો પર રમાશે, જેમાં ત્રણ અમેરિકન શહેરો ન્યુયોર્ક સિટી, ડલ્લાસ અને મિયામી વર્લ્ડ કપ મેચોની યજમાની કરશે. ટીમ ઈન્ડિયા 2024 T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પાકિસ્તાન સાથે 9 જૂને મેચ રમાશે. આ સિવાય ભારતની 12મી જૂને યુએસએ અને 15મી જૂને કેનેડા સામે મેચ રમાશે.
2024ના T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાનામાં રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.
• લીગ તબક્કાની મેચો - 1લી થી 18મી જૂન સુધી.
• સુપર 8 મેચો - 19 થી 24 જૂન.
• સેમી-ફાઇનલ મેચ - 26 અને 27 જૂન.
• ફાઇનલ મેચ- 29 જૂન.