એશિયા કપના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે (2 સપ્ટેમ્બર) મેચ રમાઈ હતી. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમને બેટિંગ કરવાની પૂરી તક મળી હતી, પરંતુ બાબર આઝમની ટીમ એક પણ બોલ રમી શકી નહોતી. પાકિસ્તાને ઓપનિંગ મેચમાં નેપાળને 238 રનથી હરાવીને મોટી જીત હાંસલ કરી હતી. ભારતે આ એડિશનમાં તેની પ્રથમ મેચ રમી હતી અને તે પણ અનિર્ણિત રહી હતી. હવે ભારતીય ટીમ સુપર-4માં કેવી રીતે પહોંચશે તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ભારત-પાકિસ્તાન મેચ પછી, ચાલો પહેલા જાણીએ પોઈન્ટ ટેબલની સ્થિતિ. મેચ પૂર્ણ ન થવાને કારણે બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. ગ્રુપ-A પાકિસ્તાન બે મેચમાં ત્રણ પોઈન્ટ મેળવીને સુપર-4માં પહોંચી ગયું છે. આ સાથે જ ભારતના એક મેચમાં એક પોઈન્ટ છે. નેપાળના ખાતામાં એક પણ પોઈન્ટ નથી. બીજી તરફ ગ્રુપ-બી શ્રીલંકાના એક મેચમાં બે પોઈન્ટ છે અને બાંગ્લાદેશનું ખાતું પણ ખુલ્યું નથી. અફઘાનિસ્તાનની ટીમે હજુ તેની પ્રથમ મેચ રમવાની છે.