ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના 6 બેટ્સમેન 144 રન સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ દાવ સંભાળ્યો. પ્રથમ દિવસનો રમત સમાપ્ત થતાં સુધીમાં ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટે 339 રન છે. રવિ અશ્વિન 112 બોલમાં 102 રન બનાવીને રમી રહ્યા છે. તેમણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રવીન્દ્ર જાડેજા 117 બોલમાં 86 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા.
રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ ચૂકી છે. આ પહેલા કરુણ નાયર અને રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે 2016માં સાતમી વિકેટ માટે રેકોર્ડ 138 રન જોડ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ સામે ભારતીય બેટ્સમેનોની શ્રેષ્ઠ ભાગીદારી જોઈએ તો આ પહેલા આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને ઝહીર ખાનના નામે નોંધાયેલો હતો. સચિન તેંડુલકર અને ઝહીર ખાને વર્ષ 2004માં 10મી વિકેટ માટે 133 રન જોડ્યા હતા. તે મેચમાં સચિન તેંડુલકરે પોતાનો કારકિર્દીનો શ્રેષ્ઠ 248 રનનો સ્કોર બનાવ્યો હતો.
જો કે, હવે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ સચિન તેંડુલકર અને ઝહીર ખાનને પાછળ છોડી દીધા છે. બંને ખેલાડીઓ વચ્ચે સાતમી વિકેટ માટે રેકોર્ડ 195 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ભારતીય ચાહકોને આશા હશે કે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બીજા દિવસે વધુમાં વધુ રન જોડશે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બીજા દિવસે કેટલા રન જોડી શકે છે? જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ રહી છે. જ્યારે આ પછી બંને ટીમો 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં આમને સામને થશે.