Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SA : વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

IND vs SA : વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું
X

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે લખનૌમાં મળેલી હારનો બદલો લીધો અને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. હવે સિરીઝની નિર્ણાયક મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 278 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 46મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ જીતમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી અને ભારતની આ જીતના હીરો રહ્યા છે. શ્રેયસ અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. તો, ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 279 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. 28ના કુલ સ્કોર પર કેપ્ટન શિખર ધવન 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ પણ 48ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તેને કાગીસો રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો.

Next Story