પેરિસ પેરાલિમ્પિકમાં 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. આ દિવસે ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત 8 મેડલ જીત્યા હતા. પેરા શટલર નિતેશ કુમારે ભારત માટે દિવસનો પહેલો ગોલ્ડ જીત્યો જ્યારે સુમિત અંતિલે ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે એક જ દિવસમાં મેડલ ટેલીમાં 15 સ્થાનની છલાંગ લગાવી છે અને 15માં સ્થાને આવી ગયું છે. ભારતે સોમવારે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.
ભારત હવે પેરાલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ટોપ-15માં સામેલ છે. ભારતીય ટીમે ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.
2 સપ્ટેમ્બરના રોજ 29 વર્ષના નીતિશ કુમારે પેરા બેડમિન્ટન SL-3 કેટેગરીમાં ભારતનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. IIT મંડીમાંથી એન્જિનિયરિંગ કરી રહેલા હરિયાણાના નિતેશે એક કલાક અને 20 મિનિટ સુધી ચાલેલી મેચમાં બ્રિટનના બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો.