/connect-gujarat/media/media_files/2025/05/17/2K9cMRiiaZEZ5SOaiUNf.jpg)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી શરૂ થઈ રહી છે, જેમાં આજે RCB અને KKR વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે એક અઠવાડિયા માટે લિગ મુલતવી રાખવામાં આવી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી પાટા પર આવી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPLને થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આ લીગ ફરીથી શરૂ થઈ રહી છે અને આજે, 17 મેના શનિવારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ભારે રોમાંચક મુકાબલો રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
આ મેચમાં તમામ ચાહકોની નજર વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે IPL 2025માં પહેલીવાર મેદાનમાં ઉતરશે. ચાહકો ખાસ કરીને કોહલીના સન્માનમાં સફેદ જર્સી પહેરીને સ્ટેડિયમમાં જોવા મળી શકે છે. RCB માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ જીત સાથે તેઓ પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. હાલ RCB 11 મેચમાંથી 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
RCB માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન રજત પાટીદાર ઈજાથી પુરી રીતે ફિટ થઈ ગયો છે. ટીમમાં ફિલ સોલ્ટ, લુંગી ન્ગીડી, ટિમ ડેવિડ, લિયામ લિવિંગસ્ટોન અને રોમારિયો શેફર્ડ જેવા વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ છે. જોકે, ઝડપી બોલર જોશ હેઝલવુડની ગેરહાજરી ટીમ માટે થોડી ચિંતા જનક છે.