આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ યુવાન બન્યો કરાટે ચેમ્પિયન
કરાટે ચેમ્પિયને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવ્યા મેડલ
12 ગોલ્ડમેડલ જીતનાર રમતવીર અન્ય યુવાનોમાં પ્રેરણાસ્ત્રોત
રાજ્ય સરકાર નાણાકીય સહાય માટે યુવાનને મદદરૂપ બની
કરાટે ચેમ્પિયનને કોચિંગ સહિત પ્રેક્ટિસની સગવડ અપાય
આર્થિક મુશ્કેલીઓ વચ્ચે કરાટેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 12 ગોલ્ડ મેડલ જીતનાર આરવ રાજપૂત અન્ય રમતવીર યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. આવો કનેક્ટ ગુજરાતના સથવારે આરવના આ સફરને વધુ વિગતે જાણીએ...
ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રોત્સાહનથી કરાટે ચેમ્પિયન આરવ રાજપૂતએ રાષ્ટ્રીય સ્તરે 8 અને આંતરરાષ્ટ્રીય સ્તરે 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. સવારે દુકાનમાં ચાદર સંકેલવાની કે, એના જેવા અન્ય કામો કરવાના અને સાંજે ક્લાસિસમાં જવાનું. આ નિત્યક્રમમાં પણ આરવના કરાટે પ્રત્યેના રસ અને જુનુનમાં જરા પણ ઉણપ ન આવી. આરવ સતત પ્રેક્ટિસ કરતો અને આજે અનેક મેડલો પોતાના નામે કર્યા છે. આરવની સફળતા તેની મહેનતનું પરિણામ છે. આરવમાં ભારત માટે કરાટેમાં ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષમતા રહેલી છે.
કરાટે ચેમ્પિયન આરવ રાજપૂતની આ સફરમાં જ્યારે પણ સરકારની સહાયની જરૂર પડી, ત્યારે સરકારે તેમના હિસ્સાની ફરજ બજાવી છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત તરફથી કોચિંગ, પ્રેક્ટિસની સગવડ અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય આરવ માટે મદદરૂપ બની છે. હાલમાં તેઓ આરવને યુનાઇટેડ કિંગ્ડમમાં યોજાનારી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ માટે તૈયાર કરી રહ્યા છે. આમ, ગુજરાત સરકારની ખેલ મહાકુંભ, શક્તિદુત અને આવી અનેક યોજનાઓના સહારે આરવ અને તેના જેવા મહેનતું રમતવીરો દેશ-દુનિયામાં નામ બનાવવામાં સફળ રહ્યા છે.