/connect-gujarat/media/media_files/78LTlZBeFAuIN3IesTkf.png)
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ અને સમગ્ર ભારત ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું.
નીરજ ચોપરાએ જ્વેલિન થ્રોમાં ૯૦ મીટરના પ્રતિષ્ઠિત આંકડાને સ્પર્શ કરીને ઇતિહાસ રચી દીધો છે. આમ કરનાર તેઓ પ્રથમ ભારતીય ભાલા ફેંકનાર બન્યા છે, જે ભારતીય એથ્લેટિક્સ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.
નીરજ ચોપરાએ કતારની રાજધાની દોહામાં આયોજિત ડાયમંડ લીગ મીટમાં શુક્રવાર રાત્રે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ વર્ષની તેમની આ પહેલી સ્પર્ધા હતી. બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા, વર્લ્ડ ચેમ્પિયન અને ડાયમંડ લીગ ચેમ્પિયન રહી ચૂકેલા નીરજે આ ઇવેન્ટમાં પોતાના ત્રીજા થ્રોમાં ૯૦.૨૩ મીટરનો શાનદાર થ્રો કરીને આખરે ૯૦ મીટરનો મુશ્કેલ અવરોધ પાર કર્યો. તેમનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો ૮૯.૯૪ મીટર હતો, જે તેમણે ૨૦૨૨ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો.
કોચિંગ બદલ્યા બાદ પ્રથમ ઇવેન્ટ અને ઝેલેઝનીનો પ્રભાવ
ગયા સિઝનના અંત પછી નીરજે પોતાના કોચ બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. અગાઉ તેઓ જર્મન બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્ટોનીટ્ઝના માર્ગદર્શન હેઠળ હતા, જેમણે તેમને ઓલિમ્પિક અને વર્લ્ડ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેમણે ભાલા ફેંકના ઇતિહાસના મહાન ખેલાડી અને ૩ વખત ઓલિમ્પિક તથા ૩ વખત વિશ્વ ચેમ્પિયન રહેલા ચેક રિપબ્લિકના જાન ઝેલેઝની સાથે જોડાવાનું નક્કી કર્યું, જેમના નામે ૯૮.૪૮ મીટરનો વિશ્વ રેકોર્ડ છે. દોહામાં આ તેમની ઝેલેઝનીના કોચિંગ હેઠળની પહેલી ઇવેન્ટ હતી અને આખરે આ દિગ્ગજ ખેલાડીનું માર્ગદર્શન કામ આવ્યું અને નીરજે ૯૦ મીટરનો આંકડો તોડ્યો.