PAK vs AFG: પ્રથમ ટી-20માં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ

New Update
PAK vs AFG: પ્રથમ ટી-20માં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. અફઘાનિસ્તાને T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું છે. આ પહેલા એશિયા કપ 2022માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટના અંતરથી હરાવ્યું હતું.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 3માં પાકિસ્તાન અને 1માં અફઘાનિસ્તાનનો વિજય થયો છે. 8 ડિસેમ્બર, 2013ના રોજ બંને ટીમો ટી-20 મેચમાં સામસામે આવી હતી. તે મેચમાં પાકિસ્તાનનો 6 વિકેટે વિજય થયો હતો. 2023 માં અફઘાનિસ્તાને ટી-20માં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.

મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 9 વિકેટે 92 રન જ બનાવી શકી. જેમાં ઇમાદ વસીમે સૌથી વધુ 18 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સૈમ અયુબે 17, તૈયબ તાહિરે 16 અને કેપ્ટન શાદાબ ખાને 12 રન બનાવ્યા હતા અને બાકીના બેટ્સમેનો ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.

રનનો પીછો કરતા અફઘાનિસ્તાને 17.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે મોહમ્મદ નબીએ 38 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 38 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે તેને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.

આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેમાં મુજીબ ઉર રહેમાને 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ નબીએ 3 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, નવીન ઉલ હક અને કેપ્ટન રાશિદ ખાનને 1-1 સફળતા મળી હતી.

Latest Stories