ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝને લઈને પાકિસ્તાનની ટીમની કરાઇ ઘોષણા, શાન મસૂદ ટીમનું કરશે નેતૃત્વ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ગઈકાલે રંગેચંગે સમાપન થયું છે અને ઓસ્ટ્રેલિયા વિશ્વવિજેતા બની છે. ત્યારે હવે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની તૈયારીમાં જોતરાઈ છે.
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝને લઈને પાકિસ્તાનની ટીમની ઘોષણા કરવામાં આવી છે. જેમાં નવા ચીફ સિલેક્ટર વહાબ રિયાઝ દ્વારા પાકિસ્તાનની ટીમનું એલાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની જાહેર કરાયેલી આ ટીમમાં નવા ચહેરાઓને પણ કાબીલીયત બતાવવાનો અવસર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રવાસ 14 ડિસેમ્બરથી શરૂ થશે, જેના માટે પાકિસ્તાનની ટીમ 30 નવેમ્બરે ઈસ્લામાબાદથી ઉડાન ભરશે. શાન મસૂદ આ ટીમનું નેતૃત્વ કરશે. ટીમની બહાર રહેલા કેટલાક ખેલાડીઓ પણ પાકિસ્તાનની ટીમમાં પરત ફર્યા છે.ડાબોડી ઓપનર સેમ અયુબને પ્રથમ વખત ટીમમાં મોકો અપાયો છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કાયદ-એ-આઝમ ટ્રોફીમાં તેના સારા પ્રદર્શનને કારણે તેને પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલર ખુર્રમ શહજાદને પણ પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.