/connect-gujarat/media/media_files/2026/02/06/cssss-2026-02-06-21-55-00.jpg)
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી પરાજય આપી છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી દેશભરના ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ભારત માટે સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. શરૂઆતમાં એક વિકેટ વહેલી પડ્યા બાદ પણ ભારતીય ઇનિંગ્સે જોરદાર ગતિ પકડી. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેની જોડીએ ઇનિંગ્સને સંભાળી લીધી અને પછી જે થયું તે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.
માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ જેવા દબાણભર્યા મુકાબલામાં વિસ્ફોટક બેટિંગ કરી ઇંગ્લેન્ડના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાંખી. તેણે 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા શામેલ હતા. આ પારી દરમિયાન વૈભવે 55 બોલમાં સદી પૂર્ણ કરી, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલની સૌથી ઝડપી સદી બની. આ સાથે જ તેણે ટૂર્નામેન્ટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા.
આયુષ મ્હાત્રેએ પણ વૈભવનો ભરપૂર સાથ આપ્યો અને મહત્વપૂર્ણ અર્ધસદી ફટકારી. બંનેની ભાગીદારીથી ભારતનો સ્કોર ઝડપથી આગળ વધતો ગયો. એક સમયે ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણ રીતે બેકફૂટ પર નજરે પડ્યા. વૈભવની વિકેટ પડ્યા બાદ પણ ભારતીય મધ્યક્રમ અને નીચલા ક્રમે ઉપયોગી યોગદાન આપ્યું, જેના પરિણામે ભારતે 50 ઓવરમાં 411/9નો વિશાળ સ્કોર ઉભો કર્યો.