ODI વર્લ્ડ કપ 2023 માં, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગની સાથે ફિલ્ડિંગમાં પણ જોરદાર પ્રભાવ પાડી રહ્યો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં અત્યાર સુધીની ત્રણેય મેચમાં અજેય રહી છે. તમામ ટીમોની ત્રણ ગ્રૂપ મેચો બાદ ICC દ્વારા મેદાન પરના સૌથી અસરકારક ફિલ્ડરોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં કોહલી ફિલ્ડિંગ કિંગ તરીકે ટોચના સ્થાને જોવા મળ્યો હતો. એટલે કે ટૂર્નામેન્ટના કુલ 13 દિવસમાં વિરાટ કોહલીએ પોતાની ફિલ્ડિંગથી મેદાન પર સૌથી મોટી અસર છોડી છે.
મેદાન પર તેની વધુ અસરને કારણે ICCએ તેને 22.30નું સર્વોચ્ચ રેટિંગ આપ્યું છે. આ યાદીમાં બીજા સ્થાને ઈંગ્લેન્ડનો જો રૂટ છે, જેમની રેટિંગ 21.73 છે. રૂટે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 4 કેચ ઝડપ્યા છે. કોહલીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ કેચ ઝડપ્યા છે, જે ન્યૂઝીલેન્ડના મેટ હાર્ની અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર કરતાં 2 કેચ ઓછા જરૂર છે, પરંતુ તેમ છતાં કિંગ કોહલીએ મેદાન પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે.