વિમેન્સ પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને એક બોલ બાકી રહેતા ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં યુપીના ગ્રેસ હેરિસે 26 બોલમાં 59 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. જો કે આ જીતનો પાયો કિરણ નવગીરે નાખ્યો હતો. તેણે સાવચેતીપૂર્વક બેટિંગ કરતા 43 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સે યુપીની ટીમને ચેઝ કરવાનો મોકો આપ્યો હતો જે હેરિસે પૂર્ણ કર્યો હતો. કિરણે માત્ર પોતાની બેટિંગથી જ નહીં પરંતુ તેના બેટથી પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, કિરણને બેટનો કોઈ સ્પોન્સર મળ્યો ન હતો. તેથી તે તેના આદર્શ મહેન્દ્ર સિંહ ધોનીના MSD અને તેની જર્સી નંબર 07 (સાત) લખીને મેદાન પર બેટિંગ કરવા આવી હતી. કિરણ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. જો કે ક્રિકેટમાં તેના ઘણા મોટા રેકોર્ડ છે. કિરણે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ એથ્લેટિક્સની દુનિયામાં પણ નામ કમાવ્યું છે.