સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર વિરુદ્ધ બે અપમાનજનક ટ્વીટ કરવાના આરોપમાં પ્રશાંત ભૂષણ વિરુધ્ધ અવમાનના કાર્યવાહીમાં આજે ચુકાદો આપ્યો છે.
સુપ્રિમ કોર્ટના કામકાજ પર ઘણી વખત તીક્ષ્ણ ટિપ્પણી કરતા વકીલ પ્રશાંત ભૂષણને તિરસ્કારના દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં પ્રશાંત ભૂષણને અદાલતના અવમાન માટે દોષી ઠેરવ્યા છે અને કહ્યું છે કે આ કેસમાં સજા પર સુનાવણી 20 ઓગસ્ટે યોજાશે.
જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ભારતની સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું, જેના આધારે કોર્ટે આ પગલાં આપમેળે સંજ્ઞાન સાથે લીધાં છે. આજે ત્રણ જજોની ખંડપીઠે આ મામલે આ નિર્ણય આપ્યો છે.
27 જૂનના રોજ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી એક ટ્વીટ અને મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે વિરુદ્ધ બીજું એક ટ્વીટ કર્યું હતું. 22 જુલાઇએ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને નોટિસ ફટકારી હતી.
પ્રશાંત ભૂષણને 2 ટ્વીટ માટે નોટિસ મોકલી હતી
પ્રશાંત ભૂષણને 2 ટ્વીટ માટે નોટિસ મોકલવામાં આવી હતી. એક ટ્વિટમાં તેમણે છેલ્લા 4 મુખ્ય ન્યાયાધીશો પર લોકશાહીનો નાશ કરવામાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો. અન્ય એક ટ્વિટમાં તેમણે બાઇક પર બેઠેલા વર્તમાન ચીફ જસ્ટિસના ચિત્ર ઉપર વાંધાજનક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ટ્વિટરને પણ પક્ષકાર બનાવી જવાબ ફાઇલ કરવા કહ્યું હતું.
28 જૂને ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની તસવીર સામે આવી હતી. આમાં તે મોંઘી બાઇક પર બેઠા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે મોટર બાઇકના ખૂબ શોખીન ન્યાયાધીશ બોબડે તેમના વતન નાગપુરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ત્યાં પાર્ક કરેલી મોંઘી બાઇક પર થોડા સમય માટે બેઠા હતા. નિવૃત્તિ પછી, સારી બાઇક ખરીદવાની ઇચ્છા વિશે જાણ થતાં એક સ્થાનિક વેપારીએ આ બાઇક બતાવવા મોકલી હતી. આ ફોટા પર પ્રશાંત ભૂષણે ટિપ્પણી કરી હતી કે સીજેઆઈએ સુપ્રીમ કોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દીધી છે. અને પોતે ભાજપના નેતાની 50 લાખ રૂપિયાની બાઇક ચલાવી રહ્યા છે.