-
સુરતમાં ચૂંટણી પૂર્વે લોહિયાળ જંગ
-
વોર્ડ નં.11માં ભાજપ અને અપક્ષના સમર્થકો વચ્ચે ધીંગાણું
-
ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા પર ગંભીર આક્ષેપ
-
પ્રચાર દરમિયાન મહિલાઓ સાથે કરી અભદ્ર વર્તણૂક
-
મહિલાઓના કપડાં ફાટ્યા અને જાહેરમાં તમાચા માર્યા
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. વોર્ડ નંબર 11 ગોરાટ વિસ્તારમાં મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના સમર્થકો સામસામે આવી જતા વાત મારામારી સુધી પહોંચી હતી.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાયો છે. અહીં અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આક્ષેપ છે કે ભાજપના ઉમેદવારે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને તેમને ધક્કે ચઢાવ્યા હતા.
મહિલાઓનો આક્ષેપ છે કે હર્ષ મહેતાએ તેમને ધક્કો મારી પાડી દીધી હતી, જેમાં કેટલીક મહિલાઓના કપડા પણ ફાટી ગયા હતા. એટલું જ નહીં, જાહેરમાં તમાચા પણ મારવામાં આવ્યા હતા. આ જૂથ ‘ગાર્ડન ગ્રુપ‘ ના નામે ધમકી આપી રહ્યું હતું કે તેમનું કોઈ કંઈ બગાડી શકવાનું નથી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે તટસ્થ તપાસ કરવાને બદલે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને ત્યાંથી ભગાડી દેવામાં મદદ કરી હતી. હાલ ગોરાટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અશાંતધારાની ફરિયાદ મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય યુદ્ધમાં ફેરવાયો છે.
