• કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ

  • ઇંધણના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ આક્રમક

  • કોંગ્રેસે જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

  • મોંઘવારીના મારમાં પીસાતો સામાન્ય માણસ

  • સૂત્રોચ્ચાર અને ગરબા સાથે કોંગ્રેસનો હલ્લાબોલ

સુરતમાં કોંગ્રેસ દ્વારા ખાદ્ય પદાર્થો સહિત ઇંધણમાં વધી રહેલા ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો હતો,અને જિલ્લા કલેકટર કચેરીમાં હલ્લાબોલ કરીને ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરતમાં દૂધ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા એક વિશાળ હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારીના વિરોધમાં કાર્યકરોએ અનોખી રીતે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

સુરત કલેક્ટર કચેરીના, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂધ અને ઈંધણના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારા સામે કાર્યકરોએ કચેરી ગજવી મૂકી હતી. સામાન્ય રીતે નવરાત્રીમાં રમાતા ગરબા આજે કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં મોંઘવારી સામેના એક હથિયાર તરીકે જોવા મળ્યા હતા.હલ્લાબોલના નારા સાથે ગરબે ઘૂમીને કોંગ્રેસે સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

ગરબા અને સૂત્રોચ્ચારના વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ અને રોજિંદા વપરાશના દૂધના ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. ઘર ચલાવવું હવે સામાન્ય માણસ માટે અશક્ય બની રહ્યું છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આ ભાવવધારો પાછો ખેચે તેવી માંગ કરવામાં આવી છે.