સુરત શહેર તથા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણની રફતાર ધીમી પડી છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
સુરત જીલ્લામાં કોરોનાની ગંભીર ઘાતકતા ઘટતાં દર્દીઓ પણ ઘટ્યા છે, ત્યારે હવે કોરોનાના પોઝિટિવ કેસનો આંક 136311 પર પહોંચી ગયો છે. સુરત શહેર તથા જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 7089 થયા છે, જ્યારે શહેરના તમામ ઝોનમાં પોઝિટિવનો આંક 100થી નીચે આવ્યો છે.
સિવિલ અને સ્મીમેરમાં 373 જેટલા દર્દીઓ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 399 પૈકી 239 દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે 28 દર્દી વેન્ટિલેટર, 99 દર્દી બાઈપેપ અને 112 દર્દી ઓક્સિજનના સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં 146 પૈકી 134 દર્દીઓ ગંભીર છે, જ્યારે 15 દર્દી વેન્ટિલેટર, 48 દર્દી બાઈપેપ અને 71 દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. જોકે, ગત મંગળવારના રોજ શહેરમાં માત્ર 322 કેસ પોઝિટિવ નોંધાયા હતા.
આ સાથે શહેર તથા જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1991 થયો છે. ગત રોજ શહેરમાંથી 612 અને જિલ્લામાંથી 259 મળી 871 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 127231 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે, ત્યારે હવે સમગ્ર સુરત જીલ્લામાં કોરોનાના કેસ ઘટતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.