સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે હવે ખુદ શાસક પક્ષના જ કોર્પોરેટરે મોરચો માંડ્યો છે.વરાછામાં સતત વધી રહેલા ગેરકાયદેસર દબાણોને લઈને મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલે  પાલિકા કમિશનરને એક કડક પત્ર લખ્યો છે અને મનપાના અધિકારીઓને ચીમકી પણ ઉચ્ચારી છે.

સુરતના વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકુવાડી તરફ જવાના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર ફ્રુટ અને શાકભાજીની લારીઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. દબાણની આ સમસ્યા માત્ર વરાછા પૂરતી સીમિત નથી, પરંતુ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં પણ દબાણો બેફામ વધ્યા છે. આ ગેરકાયદેસર દબાણોના કારણે કરોડોના ખર્ચે બનેલા પહોળા રસ્તાઓ હવે સાંકડી ગલીઓ જેવા બની ગયા છે, જેના લીધે ચોવીસે કલાક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

સૌથી ગંભીર બાબત એ છે કે, આ ટ્રાફિક જામમાં દર્દીઓ જીવ બચાવવા નીકળેલી એમ્બ્યુલન્સ અને આગ બુઝાવવા જતી ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો પણ કલાકો સુધી ફસાઈ રહે છે. અંદાજ મુજબ, સમગ્ર વરાછા વિસ્તારમાં દરરોજ આશરે 10 લાખ લોકોને આ ગેરકાયદેસર દબાણોના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં મનપાનું દબાણ ખાતું કોઈ જ નક્કર કામગીરી ન કરતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી કંટાળીને આખરે કોર્પોરેટર કાવ્યા પટેલે પાલિકા કમિશનરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે, સમગ્ર વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે એક વિશેષ ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવે.