-
અંબિકાના ભોરીયા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
કાળમુખી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમાં અકસ્માત
-
દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મોત નિપજ્યાં
-
સાસુ-વહુ અને પુત્રનું નિધન, 6 વર્ષનો પૌત્ર બન્યો નિરાધાર
-
ગમખ્વાર અકસ્માત મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરીયા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના અંબિકા તાલુકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા 31 વર્ષીય આશિષ પટેલ, તેમના 29 વર્ષીય પત્ની પારુલ પટેલ, 7 વર્ષનો પુત્ર વેદ અને 60 વર્ષીય માતા ઉષા પટેલ ડોલવણ તાલુકાના પાટી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને આખો પરિવાર એક જ બાઈક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે વલવાડા-ભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે, આશિષ પટેલ, પારુલ પટેલ અને ઉષા પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 6 વર્ષીય પુત્ર વેદ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
