ગુજરાતીમાં કહેવત છે છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય… આ કહેવતથી તદ્દન વિપરિત ઘટના સુરતમાં બની છે જેમાં પત્ની સાથે છુટાછેડા થઇ ગયા બાદ બીજા લગ્ન કરવા પતિ 11 વર્ષની બાળકીને અનાથ આશ્રમમાં મુકી આવ્યો હતો. સદનસીબે આ વાત બાળકીની દાદીના ધ્યાનમાં આવતાં તેમણે કોર્ટની મદદથી પૌત્રીને પાછી મેળવી છે.

આંખોની પાંપણોની ભીંજવી નાંખતો કિસ્સો સુરતના કાપરે પરિવારમાંથી સામે આવ્યો છે. કાપરે પરિવાર ઉધનાની દત્ત કુટિર સોસાયટીમાં રહે છે. શાંતિલાલ કાપરેના લગ્ન રત્નબેન સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન કાપરે દંપત્તિને ત્રણ સંતાનો થયાં હતાં. શાંતિલાલ કાયમ દારૂના નશામાં ચુર રહેતો હોવાથી પત્ની રત્નબેને છુટાછેડા લઇ લીધાં હતાં અને એક પુત્રીને લઇને ચાલી ગઇ હતી.

બીજી તરફ શાંતિલાલ તેના એક પુત્ર, પુત્રી અને માતા સાથે સુરતમાં રહેતો હતો. શાંતિલાલ બીઆરટીએસમાં ટીકીટ ચેકર તરીકે કામ કરતો હતો પણ કોઇ વિપરિત સંજોગોના કારણે તે દારૂના રવાડે ચઢી ગયો હતો. દારૂના વ્યસને કાપરે પરિવારના સુખી લગ્નજીવનમાં આગ ચાંપી દીધી હતી. શાંતિલાલને બીજા લગ્ન કરવાના હોવાથી તે તેની 11 વર્ષની પુત્રીને અનાથ આશ્રમમાં મુકી આવ્યો હતો. લગભગ 25 દિવસ પહેલા અચાનક દારૂના નશામાં શાંતિલાલ પોતાની નાની દીકરીને અનાથ આશ્રમમાં મુકી આવ્યો હતો. દાદીએ પૌત્રી વિશે પુછતાં શાંતિલાલ મને ખબર નથી તેવા ઉડાઉ જવાબ આપતો હતો.

એક દિવસ શાંતિલાલે તેની માતા જીજાબેનને આખી કથની કહી હતી અને પૌત્રીને મળવા માટે અનાથ આશ્રમ લઇ ગયો હતો. પૌત્રીના વિરહમાં તડપતાં દાદીએ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલિક પાડોશી મહિલાની મદદ લઇ વકીલ વિલાસ પાટીલને મળી હતી. એમણે મને સાંભળી તાત્કાલિક 26 મીએ કોર્ટમાં સર્ચ વોરંટ કાઢવા અરજી કરી હતી. કોર્ટે પણ અરજીની ગંભીરતા લઈ સલાબતપુરા પોલીસને બાળ આશ્રમના સંચાલકોને બાળકી સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો.

કોર્ટમાં દાદી અને બાળકીનું મિલન થયું હતું. ન્યાયાધીશે બાળકીને પુછયું હતું કે, તારે કોની સાથે રહેવું છે ત્યારે બાળકી દાદીને વળગી પડી હતી અને કહયુ કે દાદી સાથે.. દાદી -પૌત્રીના મિલન સમયે કોર્ટરૂમમાં હાજર સૌની પાંપણો ભીજાય ગઇ હતી. કોર્ટે આશ્રમ સંચાલકોની સાથે બાળકીના પિતાને પણ ઠપકો આપ્યો હતો.