સુરતના ચકચારી ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસ પોતાની કારથી ઉર્વશી ચૌધરી નામની આશાસ્પદ યુવતીનું મોત નીપજાવી નાસતો ફરતો અતુલ વેકરીયા ફરતેનો ગાળિયો મજબુત બનતાં તે આખરે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે....
અતુલ બેકરીની શૃંખલાઓનો માલિક અતુલ વેકરીયા દારૂની મહેફીલમાંથી પરત ફરી રહયો હતો ત્યારે યુનિવર્સીટી રોડ પર રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં ઉર્વશી ચૌધરી નામની યુવતી ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. અતુલ વેકરીયા સામે વધી રહેલા જનઆક્રોશ સામે ઝુકીને પોલીસે
અતુલ વેકરીયા સામે સાપરાધ મનુષ્ય વધ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમ ઉમેરી હતી અને તેને કોર્ટે પણ મંજુરી આપી દીધી હતી. આરોપી અતુલ વેકરીયાને ઝડપી પાડવા પોલીસ સક્રિય થતાં તે ભુર્ગભમાં ઉતરી ગયો હતો. અતુલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર આગામી 12 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાનાર છે. દરમિયાન આજે અતુલ ઉમરા પોલીસમાં હાજર થઈ ગયો હતો. અતુલ વેકરીયાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ સોશિયલ મિડીયામાં લોકો ઉર્વશીના પરિવારને સપોર્ટ કરી રહયાં છે અને અતુલ સામે કાર્યવાહી નહિ થાય તો રાજયભરમાં અતુલ બેકરીઓ બંધ કરાવી દેવાની ચીમકી આપી રહયાં છે.