સુરતમાં કોરોના કાળ દરમિયાન 7 માસથી બંધ 150 બગીચાઓ સામાન્ય પ્રજા માટે આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જો કે સરકારે કેટલાક નિયમો જાહેર કર્યા છે જેનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયા બાદ તમામ જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાગ-બગીચા, સિનેમા હૉલ સહિતના સ્થળો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા. ત્યારે અનલોક પ્રક્રિયાના પાંચમાં ચરણમાં હવે આ તમામ સ્થળોને પુનઃ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને આજથી સુરત મહાનગર પાલિકાના બગીચા સામાન્ય પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પરંતુ કોવિડના ખતરાને લઈને પ્રશાસન દ્વારા કેટલાક નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. ગાઈડલાઇનના પાલન સાથે જ પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે.
શહેરના અલગ અલગ 8 ઝોનમાં કુલ 150 ગાર્ડન જાહેર જનતા માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. જેમાં કોઇપણ વ્યક્તિ 2 કલાક થી વધુ ગાર્ડનમાં રોકાઈ નહીં શકે. દરમિયાન એક બેન્ચ પર એકસાથે 2 થી વધુ લોકો નહીં બેસી શકે. ગાર્ડનમાં સેલ્ફ સેનેટાઇઝ અને માસ્ક ફરજીયાત રહશે.
10 વર્ષ થી નાના, ગર્ભવતી મહિલા અને વડીલોને ગાર્ડનમાં પ્રવેશ નહીં આપવામાં આવે. રમત ગમતના સાધનો એકસાથે 2 વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે. શહેરનું વડીલો માટેનું ગાર્ડન 75 શાંતિકુંજ હાલ બંધ રાખવામાં આવ્યું છે.