સુરતના મોટા વરાછા ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક દેશભક્તિસભર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના વીર જવાનોની સ્મૃતિમાં કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 ફૂટ ઊંચા વિશાળ તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કારગિલ યુદ્ધના દેશભક્તિસભર પ્રસંગો વાગોળ્યા હતા.
સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતૃભૂમિના શહીદોને નમન કર્યા હતા.
