સુરત : હીટ એન્ડ રન કેસમાં મૃતક યુવતીના પરિવારના આંસુ સુકાવાનું નામ લેતા નથી

New Update
સુરત : હીટ એન્ડ રન કેસમાં મૃતક યુવતીના પરિવારના આંસુ સુકાવાનું નામ લેતા નથી

અતુલ બેકરીનો માલિક અતુલ વેકરીયા વગદાર હોવાથી જામીન પર છુટી ગયો છે પણ તેના કારણે નિર્દોષ યુવતી ઉર્વશીએ જીવ ગુમાવી દીધો છે. મૃતક ઉર્વશીના પરિવારજનો હજી પણ તેમની દિકરી તેમની વચ્ચે હયાત નથી તે માનવા તૈયાર નથી.

ખુદા મત ઉજાડ કિસીકે આશિયાને કો , બહુત વક્ત લગતા ઉસકો બનાને મેં. આવુજ કંઈક હાલ સુરત રહેતા અને મૂળ બારડોલી તાલુકાના વધાવા ગામના વતની ચૌધરી પરિવાર સાથે બની હતી. ગત 26 મી ના રાત્રે ઉર્વશી ચૌધરી તેના ભાઈ સાથે ઉધના મગદલ્લા રોડ પર પસાર થતા હતાં. તેનો ભાઇ ફ્રેન્કી લેવા ગયો હતો અને ઉર્વશી મોપેડ પર બેઠી હતી. આ વેળા અતુલ વેકરીયાની માતેલા સાંઢની જેમ આવેલી કારે તેને હવામાં ફંગોળી દીધી હતી. આ ઘટનામાં ઉર્વશીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. લોકોએ નશાની હાલતમાં રહેલાં અતુલ વેકરીયાને ઝડપી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો. પણ અતુલ વેકરીયા વગદાર અને માલેતુજાર હોવાથી હાલ જામીન પર મુકત થઇ ગયો છે. જોકે આ દર્દનાક ઘટનાને આજે પણ પરિવાર ભુલી શક્યો નથી.

Watch Video : https://fb.watch/4ySMzB_8Hy/

સામાન્ય માણસો સામે કાયદાનો કોરડો વિંઝતી પોલીસ અતુલ વેકરીયાના કેસમાં પાંગળી બની ગઇ હોય તેમ લાગી રહયું છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, ઉમરા પોલીસે અતુલ વેકરીયા સામે હળવી કલમો લગાવી તેનો જામીન પર છુટવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

હીટ એન્ડ રનના મામલે હવે પરિવારજનો કાયદાકીય રીતે પણ પડકાર કરનાર છે. જોકે જે પ્રમાણે ફરિયાદમાં કલમો લગાવાય છે તે જોતાં આરોપી અતુલ વેકારીયાને બચાવવા જ પ્રયાસો કરાયા છે. વકીલોના મત મુજબ અહીં સદોષ માનવધનો ગુનો દાખલ કરવો જોઇતો હતો. આ કલમમાં 10 વર્ષની સજાની જોગવાઇ છે.

અકસ્માત સર્જનાર અતુલ વેકરિયા જામીન પર છૂટી પણ ગયો. પરંતુ યુવતી ઉર્વશી ચૌધરી નું પરિવાર જાણે આજે પણ તેના આવવાની રાહ જોઈ રહ્યું છે. પોતાની વ્હાલસોયી બહેન ગુમાવનાર ભાઇ, દીકરી ગુમાવનાર માતા-પિતા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહયાં છે. એક તરફ અતુલ વેકરીયાની વગ અને પૈસા છે તો બીજી તરફ ચૌધરી પરિવારનો ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ છે હવે આ બેમાંથી જીત કોની થાય છે તે આવનારો સમય બતાવશે.

Latest Stories