સુરત શહેરની જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 150 લાશ્કરોએ મોરચો સાંભળીને આગ પર  કાબુ મેળવ્યો હતો.

સુરત શહેરની જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજે છ જેટલી કાપડની દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ટેક્સટાઇલ માર્કેટમાં પેટ્રોકેમિકલ યુક્ત કાપડ હોવાના કારણે લાઈટો અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લીધે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી.150થી પણ વધારે ફાયરના જવાનોએ સળંગ 8 કલાકની કડક મહેનત અને જહેમત બાદ આખરે આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં માર્કેટમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હોવાનું સામે આવ્યું છે, જે એક ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાહતની વાત એ છે કે આટલી મોટી અને વિકરાળ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.