શહેરના કેશવ પાર્કનો કોમન પ્લોટ બન્યો વિવાદનું કારણ
કોમન પ્લોટ પર શ્રવણ વિદ્યાભવનના સંચાલન મુદ્દે વિવાદ
કોમન પ્લોટ પર ગેરકાયદે શાળા ચાલતી હોવાના આક્ષેપ
કોમન પ્લોટ ઉપર પોતાનો હક હોવાનો સ્થાનિકોનો દાવો
મામલો હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ લઈ જવા સ્થાનિકોની ચીમકી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કેશવ પાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે અગાઉ પણ વિવાદ સર્જાયો હતો, ત્યારે આજરોજ ફરી એકવાર સ્થાનિકોએ કોમન પ્લોટ પર હક હોવાના દાવા સાથે શાળા બહાર શાંતિપૂર્ણ દેખાવો કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પીરામણ રોડ પર આવેલી કેશવ પાર્ક સોસાયટીના કોમન પ્લોટ પર સંચાલિત શ્રી શ્રવણ વિદ્યાભવન શાળાને લઈને કાયદાકીય વિવાદ વકર્યો છે. આ અંગે ગત તા. 29 સપ્ટેમ્બરના રોજ અરજદાર દ્વારા ઠેર ઠેર બેનર લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સાથે જ તેઓએ આ જમીન પર ગેરકાયદે શાળા ઊભી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત 1994માં 999 વર્ષના ભાડા કરારના આધારે જમીન ફાળવવામાં આવી હોવાનો દાવો કરી તેની કાયદેસરતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે, ત્યારે આજરોજ કેશવ પાર્કના કોમન પ્લોટના મુદ્દે સ્થાનિકોએ શ્રવણ વિદ્યાભવન શાળા બહાર હાથમાં પ્લે-કાર્ડ સાથે શાંતિપૂર્ણ દેખાવો કર્યો હતો.
સ્થાનિકોએ કોમન પ્લોટ પર પોતાનો હક હોવાનો દાવો કરી તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. કોમન પ્લોટ અંગેના દસ્તાવેજો અને છેલ્લા 3 મહિનાથી વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો, આ મામલો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.
