‘PM સ્વનિધિ યોજના’ આર્થિક આઝાદીનું માધ્યમ બની

વર્ષોથી વ્યાજના વિષચક્રમાં પીસાતા ફેરિયાઓને રાહત

10 હજારથી વધુ નાના ફેરિયાઓને કરોડો રૂપિયાનું ધિરાણ

ફેરિયાઓને ગેરંટી વગરની લોન આપી દેવામુક્ત કરાયા

યોજનામાં 31% મહિલા લાભાર્થીઓ પણ બની આત્મનિર્ભર

ગાંધીનગરમાં PM સ્વનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ફેરિયાઓને કરોડો રૂપિયાનું ધિરાણ આપવામાં આવતા આ યોજના આર્થિક આઝાદીનું સશક્ત માધ્યમ બની છે.

વર્ષોથી વ્યાજના વિષચક્રમાં પીસાતા નાના ફેરિયાઓ માટે ‘PM સ્વનિધિ યોજના’ આર્થિક આઝાદીનું માધ્યમ બની છે. ગાંધીનગરમાં 10 હજારથી વધુ લારી-ગલ્લા ધારકોને 19 કરોડ રૂપિયાથી વધુની ગેરંટી વગરની લોન આપી દેવામુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 31 ટકા મહિલા લાભાર્થીઓ પણ આત્મનિર્ભર બની છે.

જોકે, પરસેવાની કમાણીને વ્યાજખોરોથી બચાવી ગૌરવપૂર્ણ આજીવિકા તરફ દોરતી આ પહેલ ખરેખર પ્રેરણાદાયી છે. PM સ્વનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10,735 ફેરિયાઓને કુલ 19.08 કરોડ રૂપિયાનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. નિયમિત અને શિસ્તબદ્ધ ચુકવણીના આધારે પ્રથમ તબક્કામાં 10 હજાર, બીજા તબક્કામાં 20  હજાર અને ત્રીજા તબક્કામાં 50 હજાર રૂપિયા સુધીની સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

ખાનગી ધિરાણદારોને મુદ્દલ કરતાં વધુ વ્યાજ ચૂકવવાની લાચારી હવે ભૂતકાળ બની ગઈ છે. નાના વેપારીઓ સમયસર હપ્તા ભરી ઉત્તરોત્તર વધુ મૂડી મેળવી રહ્યા છે, અને પોતાના રોજગારનો આત્મવિશ્વાસપૂર્વક વિસ્તાર કરી રહ્યા છે. આ યોજના અંતર્ગત વેપારીઓને 41 લાખ રૂપિયાની વ્યાજ સબસિડી અને 42 લાખ રૂપિયાનું ડિજિટલ કેશબેક ચૂકવાયું છે. 4,800થી વધુ ફેરિયાઓ QR કોડ અને UPI અપનાવી મુખ્ય પ્રવાહની બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાઈને આર્થિક રીતે સદ્ધર બન્યા છે.