સુરત : પુણાના સ્થાનિકોને મનપાના અધિકારીએ કહ્યું “મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો”, જુઓ પછી શું થયું..!

New Update
સુરત : પુણાના સ્થાનિકોને મનપાના અધિકારીએ કહ્યું “મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો”, જુઓ પછી શું થયું..!

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી અને સમ્રાટ સોસાયટીના નજીકથી પસાર થતી ખાડીનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાડીમાં ગંદકી હોવાના મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેથી લોકો બીમાર પડી રહ્યા છે. ખાડીની સફાઈ માટે વારંવાર અરજી કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિકો બેનર સાથે ખાડી કાંઠે વિરોધ કરવા મેદાને ઉતર્યા હતા.

સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના બણગા ફૂકતી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટી અને સમ્રાટ સોસાયટીના રહીશો સોસાયટી પાસેથી પસાર થતી ખાડીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડીમાં ખૂબ ગંદકી હોવાથી સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા આ મામલે 100 જેટલી ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. એટલું જ નહીં પરંતુ સોસાયટીના રાહીશો મનપા કચેરી ખાતે અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા પહોચ્યા ત્યારે અધિકારીઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા.

પુણા વિસ્તારમાં આવેલી બન્ને સોસાયટીઓના રહીશોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, મનપાના આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો. જેથી સોસાયટીના રહીશોએ ખાડી કાંઠે જઈ બેનરો સાથે વિરોધ પોતાનો નોંધાવ્યો હતો. અત્રે મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરતનો પ્રથમ ક્રમ આવે છે. પરંતુ હવે આવા કિસ્સાઓ બાદ મનપાના આળસુ અધિકારીઓ સુરતનું સ્વચ્છતા બાબતે નામ ડૂબાડે તો નવાઈ નહીં.

Latest Stories