/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/12134628/maxresdefault-107-42.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અંબાજી મિલમાં ગત રવિવારની રાત્રે એક કામદારનું મોત નીપજ્યું હતું, ત્યારે મિલના સંચાલકો દ્વારા કામદારના મૃતદેહને બોઈલરમાં નાખી નાશ કરવાના પ્રયાસ કરાતા અન્ય કામદારોએ હોબાળો મચાવી મિલને માથે લીધી હતી.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રીજીવન ઝા નામના વૃદ્ધ કામદારનું ફરજ દરમ્યાન ગટરમાં પડી જતાં મોત થયું હોવાનું અંબાજી મિલના સંચાલકોએ મૃતકના પરિવારને જણાવ્યું હતું. જોકે અન્ય કામદારોનો આક્ષેપ હતો કે, કામદારના મોત બાદ તેના મૃતદેહને બોઇલરમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કામદારના મોતની જાણ ન થાય અથવા તો તેને અન્ય કોઈ રીતે અકસ્માતમાં ખપાવવાના આશયથી મિલના સંચાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો.
જોકે વાત વાયુવેગે પ્રસરતા અન્ય કામદારો અને પરિવારજનો ભેગા થઈ ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પરિવારને સમજાવટ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે કામદારના મોતના પગલે પરિવારજનોએ મિલ સંચાલકો તેમજ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી હતી.