સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં WNP લખેલું શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. કૈલાશનગર નજીકથી કબૂતર મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી IBને જાણ કરી હતી.
સુરત શહેરના પાંડેસરા સ્થિત કૈલાશનગર વિસ્તારમાંથી સોમવારે બપોરે એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. જેના પર WNP pigeon એવો સિક્કો લાગેલો છે. પાંડેસરા-અલથાણ રોડ પર કૈલાશનગર-3માં રહેતો હર્ષ રાજેન્દ્ર શુક્લાને તેના ઘર પાસે આ કબુતર મળી આવ્યું હતું. તેથી હર્ષે તેને પકડી લીધું હતું. જોકે કબૂતર પર WNP pigeon એવું લખાણવાળો સિક્કો હતો. તેથી આસપાસના લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી IB વિભાગને જાણ કરી છે. પોલીસે પક્ષી વિશેષજ્ઞોની મદદ લીધી છે. જોકે કબૂતરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે, કોઈ ઇલેક્ટ્રોનિકસ ગેઝેટ મળ્યું નથી. છતાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. ઇન્ટેલિજન્સ બ્રાંચને આ બાબતે જાણ કરાઈ છે. હાલ કબૂતર એક સંસ્થા પાસે છે. એવું બની શકે છે કે, કોઈ પાસે ઘણાં કબૂતર હોય અને ઓળખ માટે આ પ્રકારનો સિક્કો માર્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.