સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં તેનાત પોલીસ સબ ઇન્સ્પેકટર પી. એસ. મકવાણા દ્વારા સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે આકસ્મિક ફાયરિંગ થતા એક નિર્દોષ નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો.
સુરત નાના વરાછા પોલીસ ચોકીમાં પીએસઆઇ પી.એસ.મકવાણા ખુરશી પર બેસીને પોતાની સર્વિસ ગન સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગનમાંથી ગોળી છૂટી ગઈ હતી. ગોળી ચોકીમાંથી કીટલી અને પ્લાસ્ટિકના કેરબા સાથે અથડાઈને દરવાજાની બહાર નીકળી ગઈ હતી,અને રસ્તા પર લારી પાસે ઉભેલા અરવિંદ પટેલ નામના વ્યક્તિને વાગી ગઈ હતી.
45 વર્ષીય અરવિંદ પટેલ, જેઓ રસ્તા પર કપડા વેચવાનું કામ કરે છે, તેમના પેટના ડાબા ભાગે ગોળી વાગીને આરપાર નીકળી ગઈ હતી. ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ચોકીની અંદરથી છૂટેલી આ ગોળીએ સુરત પોલીસની હથિયારોની સુરક્ષા અને જાળવણી પર મોટા સવાલો ઉભા કર્યા છે.
