ટેક્સટાઈલ ઉદ્યોગ પર મંદીનો માર

અઠવાડિયામાં 2 દિવસ કારખાના રહેશે બંધ

યાર્નના તોતિંગ ભાવવધારાથી મુશ્કેલી

વિવર્સે સ્વયંભૂ લીધો પ્રોડક્શન કાપનો નિર્ણય

પગાર,કારખાનાના વીજબિલનો બોજ ઘટાડવા નિર્ણય 

સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ પર મંદીનો માર પાડ્યો છે,જેના કારણે સામી દિવાળીએ વિવીંગ ઈન્ડસ્ટ્રી ભારે આર્થિક સંકટમાં સપડાય છે અને વણકરો ભારે વિમાસણમાં મુકાય ગયા છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના વિવીંગ ઉદ્યોગ પર મંદી અને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં સતત તોતિંગ વધારો થવાના કારણે કાપડનું ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયું છે.

બીજી તરફ, મોંઘા યાર્નની સામે તૈયાર ગ્રે કાપડના યોગ્ય ભાવો ન મળતા વેપારીઓની પડતર ઊંચી આવી રહી છે. આ પરિસ્થિતિમાં મૂડી ફસાઈ જવાની ભીતિ વચ્ચે આગળ વધુ આર્થિક નુકસાનથી બચવા માટે વિવર્સ એકમોએ યાર્નની નવી ખરીદી અટકાવી દઈ કાપડ ઉત્પાદન પર સીધો બ્રેક લગાવી દીધો છે.

મોટો આર્થિક ખાડો ટાળવા અને ખર્ચ કાબૂમાં રાખવાના હેતુથી સુરતના  વિવીંગ એકમોએ સ્વયંભૂ અઠવાડિયામાં 2 દિવસ કારખાના બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામી દિવાળીએ કારીગરોના પગાર, બોનસ અને અન્ય દૈનિક ખર્ચાઓ પહોંચી વળવા માટે વિવર્સ માટે લિક્વિડિટીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

અઠવાડિયામાં બે દિવસ મશીનો બંધ રહેવાથી વીજ વપરાશ ઘટશે, જેથી તોતિંગ લાઈટબિલનો બોજ હળવો થશે અને કામના દિવસો ઘટવાથી ઉત્પાદન ખર્ચ તેમજ દૈનિક પગારના ભારણ પર પણ નિયંત્રણ લાવી શકાશે.