સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટો ફટકો

યાર્નમાં બે જ દિવસમાં રૂ.10નો ભાવ વધારો

ક્રૂડ તેલ મોંઘું થતાં યાર્ન ઉત્પાદકોનો નવો પેંતરો

કાપડ બજારમાં વિવર્સ કફોડી સ્થિતિમાં

નિષ્ણાતોએ આપી સ્ટોક ન કરવાની ચેતવણી

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાનો સીધો ફટકો હવે સુરતના વિવિંગ ક્ષેત્રને પડી રહ્યો છે. યાર્ન ઉત્પાદકોએ માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં યાર્નના ભાવમાં પ્રતિ કિલો સીધો રૂ.10નો મોટો વધારો ઝીંકી દીધો છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિવર્સોની મુશ્કેલીઓ શમવાનું નામ નથી લઈ રહી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાનો સીધો ફટકો હવે સુરતના વિવિંગ ક્ષેત્રને પડી રહ્યો છે. યાર્ન ઉત્પાદકોએ માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં યાર્નના ભાવમાં પ્રતિ કિલો સીધો રૂપિયા 10નો મોટો વધારો ઝીંકી દીધો છે, જેના કારણે સમગ્ર વિવિંગ ઉદ્યોગમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો યુદ્ધનો તણાવ છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગત 30 જૂને પ્રતિ બેરલ 68 ડોલર હતો, તે વધીને 79 ડોલર પર પહોંચી ગયો છે. આમ, માત્ર 15 દિવસમાં ક્રૂડમાં 11 ડોલરનો ઉછાળો આવતાની સાથે જ યાર્ન ઉત્પાદકોએ વિવર્સો પર આ મોટો આર્થિક બોજ લાદી દીધો છે.

હાલમાં સુરતનું કાપડ બજાર પહેલેથી જ મંદી અને ગ્રાહકીના અભાવે ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં યાર્નમાં અચાનક થયેલો આ વધારો વિવર્સો માટે પડતા પર પાટુ જેવો સાબિત થયો છે. આગામી સમયમાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ભાવમાં હજુ પણ મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી મોટા પાયે સ્ટોક કરવાથી વેપારમાં ભારે નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગના નિષ્ણાતોએ તમામ વિવર્સોને હાલના તબક્કે સ્ટોક કરવાને બદલે માત્ર જરૂરિયાત મુજબની જ ખરીદી કરવાની ખાસ સલાહ આપી છે.