દેશમાં એક તરફ કોલસાની અછતથી વીજસકંટના ઓછાયા છે તેવામાં કોલસા, કેમિકલ અને કલરના કિમંતોમાં થયેલા વધારાએ ડાઇંગ મિલોના સંચાલકોને આર્થિક ભીંસમાં લાવી દીધાં છે. જો આવી જ સ્થિતિ રહેશે તો સુરતમાં 100 કરતાં વધારે એકમો બંધ થઇ જાય તેવી શકયતાઓ છે…….
સુરતમાં આશરે 400 જેટલા ડાઈંગ અને પ્રોસેસિંગ એકમો કાર્યરત છે જેના માધ્યમથી હજારો લોકો રોજગારી મેળવે છે. સુરત શહેર હીરાની સાથે ટેકસટાઇલ માટે પણ જાણીતું છે. સુરતને ટેકસટાઇલ સીટીનું બિરૂદ અપાવવામાં આ ડાઇંગ અને પ્રોસેસિંગ યુનિટોનું મહત્વનું યોગદાન છે. છેલ્લા એકાદ મહિનાથી દેશમાં કોલસાની તીવ્ર અછત ઉભી થઇ છે તેને કારણે ડાઇંગ મિલ સંચાલકોને જંગી ખોટ ખાવાની સાથે અને નાણાકીય ભીડનો સામનો કરવાનો વખત આવ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો દિવાળી પછી ઓછામાં ઓછા 100 જેટલા ડાઈંગ અને પ્રોસેસિંગ એકમો બંધ થઈ જાય તેવી સંભાવના છે.
કોલસાની અછત વચ્ચે હવે દીવાળીનો તહેવાર આવી રહયો છે અને જો ડાઇંગ અને પ્રોસેસિંગ એકમો એક મહિનાનું વેકેશન પાડશે તો કાપડ બજારમાં મોટી ઉથલપાથલ થઇ જશે. આ એકમો બંધ થવાના કારણે મિલોમાં તૈયાર થયેલું કાપડ બજારમાં આવશે નહિ અને કાપડના ભાવોમાં પણ વધારો થઇ જશે. હાલમાં પણ પ્રોસેસિંગ એકમોના માલિકોએ કાપડમાં પ્રતિ મીટર 20 થી 25 પૈસાનો ભાવ વધારો કરી દીધો છે. કોલસા અને કેમિકલની કિમંતોની વાત કરવામાં આવે તો બંને વસ્તુઓના ભાવ બમણા થઇ ગયાં હોવાનું એકમ સંચાલકો જણાવી રહયાં છે. બીજી તરફ કોલસા અને કલર કેમિકલના વેપારીઓ પણ કૃત્રિમ અછત નો સહારો લઈ નફાખોરી પણ કરી રહ્યા છે ત્યારે આવા તકસાધુ વેપારીઓ ને પ્રોસેસિંગ એકમોના માલિકો સબક શીખવાડવાના મુડમાં આવી ગયાં છે.
સુરત અને આસપાસના વિસ્તારોમાં આવેલા લગભગ 400 જેટલા ડાયઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ કાર્યરત છે અને આ તમામની હાલત ખૂબ કફોડી છે જો કે આ સ્થિતિ લાંબો સમય સુધી રહી તો મોટાભાગના એકમો બંધ થઈ જશે અથવા કાપડના ભાવમાં જબરદસ્ત વધારો થશે અને સરવાળે લોકોને જ ભોગવવાનો વખત આવશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170