સુરત જિલ્લાના માંડવી તાલુકાના વીસડાલિયા ખાતે વન વિભાગના સૌજન્યથી મહિલાઓ દ્વારા બેકરી ચલાવવામાં આવે છે. જોકે આ બેકરીના વિવિધ પ્રકારના બિસ્કિટોની ઓળખ વિદેશમાં પણ છે, ત્યારે મહિલાઓ દ્વારા ચાલતી મહિલા બેકરીને કેનેડાથી બિસ્કીટ બનાવવાનો ઓર્ડર મળતાં બેકરીમાં કામ કરતી તમામ મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સુરતના માંડવી તાલુકાના વીસડાલિયા ખાતે આવેલ મહિલા બેકરીની ઓળખ હવે વિદેશમાં પણ થઈ છે. વન વિભાગના સૌજન્યથી ચાલતી બેકરીનું સંચાલન અને કાર્યભાળ ફક્ત મહિલાઓ જ સંભાળે છે. વીસડાલિયા તેમજ આજુબાજુના ગામડાની આદિવાસી બહેનો બેકરીમાં કામ કરી રોજગારી મેળવે છે, ત્યારે બેકરીમાં વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવવામાં આવે છે. જેમાં ખારી, ટોસ, માખણીયા, કુકીઝ જેવા બિસ્કીટો બનાવવામાં આવે છે, ત્યારે બેકરીના સારી ગુણવત્તાવાળા બિસ્કિટની ઓળખના કારણે મહિલાઓને વિદેશથી બિસ્કિટનો ઓર્ડર મળ્યો છે. જેમાં કેનેડાથી કુકીઝ બિસ્કિટનો ઓર્ડર મળતાં મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે અગાઉના સમયમાં બેકરીને સુરત જિલ્લામાંથી જ બિસ્કીટોના ઓર્ડર મળતાં હતા. પરંતુ બિસ્કિટની સારી ગુણવત્તાના અને સારા સ્વાદના કારણે હવે આદિવાસી બહેનો દ્વારા ચાલતી બેકરીના બિસ્કિટો વિદેશમાં નિકાસ થવા જઈ રહ્યા છે. મહિલા બેકરીને કેનેડાથી 1200 કિલો કુકીઝ બિસ્કિટનો ઓર્ડર મળ્યો છે, ત્યારે હાલ મહિલાઓ 1200 કિલો બિસ્કિટ બનાવવાના કામમાં જોતરાઈ ગઈ છે. વિદેશથી કુકીઝ બિસ્કિટનો મોટો ઓર્ડર મળતાં મહિલાઓ ખુશી ખુશીથી બિસ્કિટો તૈયાર કરી રહી છે.
ભારતમાં વિદેશથી તો ઘણી ચીજવસ્તુ આવતી હોય છે. પરંતુ હવે ભારતથી વિદેશ અને તે પણ સુરત જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાંથી બિસ્કિટ જેવી વસ્તુનો ઓર્ડર મળતા માંડવીની આદિવાસી જનતામાં પણ ખુશી જોવા મળી રહી છે. માંડવીના વિસડાલિયાની આદિવાસી મહિલાઓ દ્વારા ચાલતી બેકરીના બિસ્કિટ હવે કેનેડામાં પણ વખણાશે, ત્યારે મહિલાઓમાં ખુશીનો પાર રહ્યો ન હતો.