-
શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી
-
ડાયાલિસિસના 14માંથી 4 મશીનો કેટલાક સમયથી બંધ
-
રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર
-
4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય : RMO
-
વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે : કેતન નાયક
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીનો બંધ હોવાથી રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મુકવામાં આવ્યા છે. જોકે, તેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દીઓ માટેના છે, અને તે સિવાયના 12 મશીન પૈકી 4 મશીન અલગ-અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.
સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, 4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય છે, જે બાબતે મેઈન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, અને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન બંધ હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે. જેથી 4થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.