રાંદેર વિસ્તાર સ્થિત પાંચ પીપળા ઓવારા ખાતે આયોજન
શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા અનોખી રીતે શ્રીજીનું સ્થાપન
તાપી નદી વચ્ચે લાઇટ હાઉસ બનાવી શ્રીજીનું સ્થાપન કરાયું
લાઇટ હાઉસમાં શ્રીજીનું સ્થાપન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
વર્ષ 2007થી તાપી નદીમાં શ્રીજીની સ્થાપના : શ્રી ગણેશ મંડળ
સુરત શહેર તથા જીલ્લામાં શ્રીજીની રંગેચંગે પધરામણી થઈ ચૂકી છે. શેરી-મહોલ્લા અને સોસાયટીઓ લાઈટિંગ અને ડેકોરેશનથી ઝળહળી ઊઠી છે. સુરતમાં 80 હજારથી વધુ ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થઈ છે. તો બીજી તરફ, શ્રીજીના શહેરભરમાં જમીન ઉપર જોવા મળી રહેલા મંડપ વચ્ચે એક મંડપ શહેરમાંથી પસાર થતી તાપી નદીના મધ્યમાં પણ બનાવવામાં આવ્યો છે.
શહેરના રાંદેર વિસ્તારના યુવાનોએ મહોલ્લાને બદલે તાપી નદીમાં તરતો મંડપ બનાવી બાપ્પાની સ્થાપના કરી છે. તરતી દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવી તેમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ભક્તો દ્વારા સવાર-સાંજ બોટમાં જઈ બાપ્પાની આરતી, ધૂન કરવામાં આવી રહી છે. આ અંગે રાંદેર પાંચ પીપડા મહોલ્લાના આગેવાનએ જણાવ્યુ હતું કે, વર્ષ 2006માં સુરત શહેર તાપી પૂરમાં તબાહ થઈ ચૂક્યું હતું.
સુરતીઓને તાપીપૂરથી બચાવવા પાંચ પીપડા મહોલ્લાના શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ 2007થી તાપી નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. મંડળના યુવાઓ દ્વારા આ પંરપરા આગળ ધપાવવામાં આવી રહી છે. મંડળના સભ્યોની આ અનોખી ભક્તિથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે. 10 દિવસની પૂજા-અર્ચના બાદ શ્રીજીને વિદાય આપવા શહેરની નાની-મોટી તમામ પ્રતિમાઓ તાપી કિનારે અથવા દરિયા તરફ આગળ વધે છે. જોકે, આ મંડળ દ્વારા બાપ્પાની પ્રતિમાને તાપી નદીમાંથી બહાર કાઢી ઘર આંગણે ધામધૂમથી વિસર્જિત કરવામાં આવે છે.